પેશન્ટ "સાહેબ 160-170 BP તો મને બે ત્રણ વરસથી છે. પણ મને હમણાં થી જ માથાના દુઃખાવાની, થાક અને શ્વાસ ની તકલીફ થાય છે."
ડોક્ટર "બે વર્ષથી તમને જાણ છે, તો કોઈ દવા કેમ નથી ચાલતી?"
પેશન્ટ "ડૉક્ટરએ તો મને આપી હતી પણ મારે નહોતી લેવી."
ડોક્ટર "કેમ..?"
પેશન્ટ "મને કોઈ તકલીફ થતી નહોતી તો મને થયું દવા શા માટે લેવી..!"
ડોક્ટર "તકલીફ નથી થતી તો દવા નહીં લેવી એનો અર્થ એ થાય છે કે તમને કોઈ એટેક-લકવો કે કિડની ડેમેજ જેવી તકલીફ થાય ત્યાં સુધી રાહ જોવી હતી..!"
પેશન્ટ "એવું તો મેં વિચાર્યું જ નહોતું. પણ સાહેબ એક વાર દવા લઉં તો કાયમ લેવી પડે એવું મને બધાએ કહ્યું એટલે નહોતો લેતો."
ડોક્ટર "એકવાર લઈએ એટલે શરીરને ટેવ પડી જાય એવું નથી હોતું. આ દવા ચાલુ જ હમેશાં લેવા માટે કરવાની હોય છે. જેને જીવનભર લેવાની જરૂર હોય તેને જ ડૉક્ટર દવા ચાલુ કરે છે. અન્ય શંકાસ્પદ કે બોર્ડર વાળા દર્દીને ડોક્ટર અલગ અલગ દિવસે અલગ અલગ સમયે રી ચેક કરાવવાનું કહે છે."
પેશન્ટ "પણ સાહેબ દવા લઈએ, પછી નોર્મલ આવે તો દવા બંધ કેમ ન કરી શકાય? દવા થી મટી કેમ ન જાય?"
ડોક્ટર "મોટાભાગના લોકોને બ્લડ પ્રેશર ની બીમારી, લોહીની નસોમાં હમેશાં માટે કડકપણું આવી જવાને લીધે થાય છે. જે ઘડપણ ની જેમ રિવર્સ જતું નથી. આથી દવા જીવનભર લેવી પડે છે. દવાના કેફમાં નસ થોડી ઢીલી પડે અને BP નોર્મલ થાય. દવા બંધ કરીએ તો તે પહેલાં હતી એવી કડક જ રહે. માત્ર જુજ કેસમાં અન્ય કારણોસર BP હોય તો જ દવા વિના BP નોર્મલ થાય."
પેશન્ટ "તો સાહેબ આ દવા કાયમ લઈએ તો કિડની ને નુકશાન કરશે તો?"
ડોક્ટર "વૈજ્ઞાનિકોએ આ દવા કિડનીને હાઈ BPના માર થી બચાવવા બનાવી છે. દવા લો તો કિડનીની લોહી ફિલ્ટર કરવાની માઈક્રો જાળીઓ ડેમેજ થતી અટકે છે. નહીંતર એ હાઈ BPના મારથી ટોચાઈને ડેમેજ થઈ જાય છે."
પેશન્ટ "પણ સાહેબ મારી ઉમર 35 વરસ છે. અત્યારથી દવાઓ લેતા મને ડર લાગે છે."
ડોક્ટર "જે લોકોને ઉમર 50-60 વરસ છે, એ લોકો દવા ન લે તો બીજા 5 થી 10 વર્ષ પછી તેમને કિડની ડેમેજ, એટેક, લકવો અંધાપો વગેરે થશે. એ વખતે તેઓ 65-70 વરસના હશે. જ્યારે તમારી કિડની, હ્રદય, મગજ અને આંખના પડદાંને હજી બીજા 30-40 વરસ સુધી હાઇ BP નો સામનો કરવાનો છે. માટે તમારે વધું કાળજીથી દવા લેવી જોઈએ અને પરેજી પાળવી જોઈએ."
પેશન્ટ "સાહેબ હું ખાવામાં ખાલી દૂધ રોટલો કરી નાખું તો દવા વિના ચાલશે ને?"
ડોક્ટર "દૂધ-રોટલો એ સંપૂર્ણ ખોરાક નથી. શાકભાજી બંધ કરો તો ઊલટું વધુ નુકશાન થાય છે. ખરેખર BP માં રાંધ્યા વિનાનો ખોરાક ફાયદો કરે છે. માટે કાચું શાક અને તાજા ફ્રુટ વધું ખાવા જોઈએ. જેથી નસો માં યુવાની જળવાઈ રહે. સૂકા નાસ્તા અથાણાં વગેરે સદંતર બંધ કરવા જોઈએ."
પેશન્ટ "અને સાહેબ ખૂબ યોગાસન અને કસરત કરું તો દવા વિના નહીં ચાલે?"
ડોક્ટર "યોગાસન અને પ્રાણાયામ ખૂબ જ લાભદાયક છે. પરંતુ તેની એક મર્યાદા હોય છે. બાબા રામદેવ અતિશય યોગાસન કરે તો તેનું વૃદ્ધત્વ ધીમું પડી જાય છે અને તંદુરસ્તી વધે છે, પરંતુ રિવર્સમાં એ નાના બાળક બની શકતા નથી. આમ BP માં નસો અમુક મર્યાદાથી વધુ કડક હોય તેવા દર્દીઓને ખોરાક અને યોગાસન ની પરેજી માત્ર થી BP નોર્મલ થશે નહીં. હા પરેજી રાખવાથી ઓછામાં ઓછી દવાથી કંટ્રોલ રહેતો થઈ જશે."
પેશન્ટ "ભલે સાહેબ પણ એકવાર દવા લેતા BP નોર્મલ આવે તો ડોઝ ઓછો તો કરી શકાય ને?"
ડોક્ટર "એક તપેલી શાકમાં એક ચમચી નમક બરાબર સ્વાદ આપતું હોય, પછી બીજે દિવસે અડધી ચમચી કરીએ તો ફરી મીઠા મોળું થઈ જાય. મતલબ કે BP માપ માં હોય અને ડોઝ ઘટાડીએ તો BP ફરીથી વધી જાય. Systolic BP નો આંકડો 100-110 થી નીચે આવે તો જ ડોઝ ઓછો થઈ શકે."
પેશન્ટ "સાહેબ તમે કીધી એવી પરેજીથી શરીરને નબળાઈ તો નહીં આવી જાય ને?"
ડોક્ટર ."આ કોઈ માત્ર BP ની પરેજી નથી. આ એક સારી જીવનશૈલી છે. કે જે માત્ર BP નહીં, કબજિયાત, ગેસ એસિડિટી, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, એટેક, કેન્સર વગેરે અનેક બીમારીઓ થી બચાવે છે. કોઈ તંદુરસ્ત વ્યક્તિ BPની બીમારી ન હોવા છતાં આ કાળજી રાખે તો તેનું આયુષ્ય પણ લંબાઈ જાય છે. તો BP વાળાને તો ફાયદો હોય જ."
Source : Dr Parthiv Patel